દ્વેષના ઝેર ઉપર સાધુતાનું અમીઝરણું -
પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ
૨૨-૪-૧૯૬૮, કલકત્તા
દ્વેષના ઝેર ઉપર સાધુતાનું અમીઝરણું
સાંજે ૪-૪૫ વાગે અક્ષરપુરુષોત્તમ સત્સંગ મંડળના સભા સ્થાને વસંતભાઈને ત્યાં પધાર્યા. પછી કરબલા સ્ટ્રીટમાં, સ્વામિનારાયણના જૂના મંદિરે પધાર્યા. સંતોએ રવામીશ્રીનું સ્વાગત તો ઠીક, પણ બોલાવ્યા પણ નહિ. અને ‘જય સ્વામિનારાયણ’ પણ ન કહ્યા ! સ્વામીશ્રી નિર્માનીપણે નીચે હરિભક્તોના આસન પર બેસી ગયા. હંસરાજભાઈ શેઠ ને કોયાભાઈએ સંતોની લાઇનમાં આસન ઉપર બેસવા સ્વામીશ્રીને નમ્રતાપૂર્વક ભાવથી કહ્યું, પણ જૂનાગઢના તે પીઢ સંતે સ્પષ્ટ ઇન્કાર કરતાં કહ્યું : ‘ત્યાં જ બેસો.’
પછી સ્વામીશ્રીએ પૂછ્યું : ‘અહીં જુનાગઢવાળા સાધુ કયાં છે ?’ ત્યારે કોઈએ તે સાધુને બતાવ્યા. એટલે સ્વામીશ્રીએ તેમની ઓળખાણ પૂછી. ત્યારે તે કહે : ‘હું તમારી સાથે વાત કરવા નથી માગતો.’
તે સાધુએ મોં મચકોડયુ અને આડું જોઈને બેસી રહ્યા. સ્વામીશ્રી સામું જોવા પણ તેઓ તેયાર ન હેતા. તેથી એક સ્થાનિક હરિભકતે રવામીશ્રી વતી પૂછ્યું : ‘તમે જૂનાગઢ દેશના ?’
ત્યારે મોઢુ બગાડી તે સંતે પોતાની ઓળખાણ આપી કે ‘બાળમુકુંદ સ્વામી અમારા ગુરુ હતા.’
સૌ કચવાતે મને મંદિરથી ઉતારે આવ્યા. સ્વામીશ્રીના આવા હેડહેડતા અપમાનથી મણિભાઈ મહેતા વગેરે કેટલાક હરિભકતો ખૂબ જ ગુસ્સે થઈ ગયા કે ‘આ સાધુની સ્વામીશ્રીનું અપમાન કરવાની શી હિંમત !’ મહામુસીબતે તેમને વાર્યા.
પછી તેમને સમજાવતા સ્વામીશ્રી કહે : ‘સાધુ બહુ સારા, આપણને દર્શન કરવા દીધાં.’
વળી કહે : ‘આપણે મંદિરે શું કરવા ગયા હતા ? દર્શન માટે. તે થઈ ગયાં, પછી બીજો વિચાર કરવો નહિ.’ એમ ગુણ જ લીધો ને સૌનો રોષ શાંત પાડી દીધો. એમની દિવ્ય દ્રષ્ટિમાં ને વાણીમાં બળતા અંગારાને ઠારી દેવાની શક્તિ હતી !
|| જય શ્રી સ્વામિનારાયણ ||