ચોક વાળે તેની વાસના બળે
ચોક વાળે તેની વાસના બળે
તા. ૨૧મીએ પરોઢ પહેલાં સ્વામીશ્રી હાથમાં ફાનસ લઈ સેવકોને જગાડવા નીકળ્યા. ને બોલતા જાય : ‘નિરંજનભાઈ ! ગુણુભાઈ ! જાગોને! ના’વા ગયા ? યોગેશ્વર છે ? હાલો... શાસ્ત્રીજી મહારાજની વાત કરવી છે. દર્શન દીધાં. શાસ્ત્રીજી મહારાજ એક મોટી પાટ ઉપર બિરાજયા હતા. મેં ચોક વાળ્યો તે જોઈ સ્વામી બહુ રાજી થયા. તે કહે : *‘ભગવાનનો ચોક વાળે તેની વાસના બળે, ઊભી ન રહે.’ ભગવાન ને સંતની દ્રષ્ટિમાં રહેવું, તો દોષમાત્ર બળી જાય.
‘અમારું રહસ્ય સંપ, સુહૃદભાવ, એકતા જડી દેવી. અમારા ભેગા રહે તો કથાવાર્તાનું વિશેષ અંગ હોય તો વધી શકે. નહીં તો કોરાધાકોર રહે. સાચી વાત પોતાની ભેગા રહે એને જ કહેવાય.
‘એકતાથી કાર્ય કરવું. સુખ-દુઃખમાં ભાગ લેવો. એક ગુરુના ચેલા થઈએ તો આખો હિન્દુસ્તાન અક્ષરપુરુષોત્તમનો બને. મંડવું જોઈએ. તો ભગવાન ને સંત દ્રષ્ટિ કરે. ત્રણ ટાણા ખાઈને પેટ ઉપર હાથ ફેરવી સૂઈ રહે, તો ભગવાન ને સંત દ્રષ્ટિ પાછી ખેંચી લે. લો હાલો, હવે આરામ કરીએ… પાંચ વાગે અનુપમ ભગત જગાડવા આવશે. આવી રીતે મહિમા ને હેત હોય તો દર્શન થાય. સ્વામી શાસ્ત્રીજી મહારાજનું સ્મરણ કરીશ ત્યાં પ વાગી જશે. તમે નાવા-ધોવા જજો. સૂઈ ન રહેશો. જાવ લ્યો, તકલીફ માફ કરજો, જગાડ્યા. સહજાનંદ સ્વામી મહારાજની જય !’
ક્યારેક આવો લાભ પણ સ્વામીશ્રી સેવકોને આપી દેતા. હજુ સવાર પડયું ન હોય ને પોતાને કોઈ અલૌકિક દર્શન લાધ્યું હોય, તો તેના સુખનો ઊભરો સેવકો પાસે ઠાલવી દેતા. અડધી રાતે પણ એમના મુખકમળમાંથી મહિમા-દિવ્યતાની સરવાણી વહેતી રહેતી.
|| જય શ્રી સ્વામિનારાયણ ||