આજનો પ્રેરણાદાયી પ્રસંગ... (22 March 2018)

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ

yogi
જુન ૧૯૬૮, ગોંડલ

જીવદયા

અક્ષર મંદિરમાં આધુનિક અને મોટી ગૌશાળા હોવાથી ડો. ચંદ્રકાંત પંડયાને પશુચિકિત્સક અધિકારી તરીકે વારંવાર મંદિરની મુલાકાતે આવવાનું થતું. ગૌશાળાની વ્યવસ્થા સંભાળતા ભક્તિકિશોર સ્વામી તેમને જરૂર પડચે અચૂક બોલાવતા.
આ અરસામાં ગૌશાળાની એક સુંદર બળદની જોડીમાંથી એક બળદને શિંગડામાં તકલીફ થઈ. તેથી ડૉ. ચંદ્રકાંત પંડ્યાને સારવાર માટે બોલાવ્યા. તેમણે તપાસ કરી જણાવ્યું કે : ‘બળદને કંજબોઈ (Horn Cancare) થઈ છે. શિંગડાનું ઓપરેશન કરવામાં આવે તો મટી શકે.’
પણ ભક્તિકિશોર સ્વામી કોઈ નિર્ણય ન લેતાં ડૉ. પંડ્યાને લઈને સ્વામીશ્રી પાસે આવ્યા. વિગત જાણી ત્યારે સ્વામીશ્રીએ સહજ જ કહ્યું કે ‘ઓપરેશન કરાવવું નથી. બળદને અક્ષર દેરીનું ચરણામૃત પાજો.’
ડૉ. પંડ્યા તો વિચારમાં પડી ગયા અને ભક્તિકિશોર સ્વામીને સ્પષ્ટ કહ્યું કે ‘જો બળદનું ઓપરેશન નહીં કરવામાં આવે, તો રોગ વધી જશે અને કદાચ તે જીવલેણ પણ નીવડે.’
પરંતુ ભક્તિકિશોર સ્વામીને તો વચનમાં વિશ્વાસ. તેથી સ્વામીશ્રીએ કહ્યું હતું તેમ કર્યુ અને આશ્ચર્યજનક રીતે બળદ તદન સાજો-સારો થઈ ગયો ! ડૉકટર આ જાણી ખૂબ જ વિસ્મિત થઈ ગયા.
વિજ્ઞાનથી ન સમજી શકાય તેવી પરાશક્તિથી સંતો અને સિધ્ધપુરુષો આવાં કાર્ય કરી શકતા હોય છે. એમના પ્રત્યે દિવ્યભાવ વિના એ દિવ્ય શક્તિનો સાક્ષાત્કાર બહુ દુર્લભ બને છે.

|| જય શ્રી સ્વામિનારાયણ ||