જોગીડાના જાદુ...
પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ
૫-૬-૧૯૬૮, ગોંડલ
જોગીડાના જાદુ
આ વખતે હર્ષદભાઈ દવે સાથે તેમનો પુત્ર વાસુદેવ વેકેશનમાં ગોંડલ સ્વામીશ્રીનાં દર્શન સમાગમ માટે આવેલો. સ્વામીશ્રીને યુવકોને નિર્જળા ઉપવાસ કરાવવાનો બહુ આગ્રહ; પણ વાસુદેવ એકાદશી પણ ફરાળ લઈને કરતો. એવામાં સુદ નોમની સવારે વાસુદેવ સ્વામીશ્રીનાં દર્શને ગયો ત્યારે સ્વામીશ્રી આરતી કરીને ખુરશીમાં નીચે આવતા હતા. વાસુદેવને જોતાં જ નજીક બોલાવીને સ્વામીશ્રી કહે : ‘આજે નોમ છે, તો તમે નિર્જળા અપવાસ કરજો.’
‘પણ બાપા ! મેં સવારમાં ચા પીધી છે.’
સ્વામીશ્રી કહે : ‘વાંધો નહીં, હવે કાંઈ ન લેશો.’ એમ કહી આશીર્વાદનો ધબ્બો માર્યો.
સખત ગરમીના આ દિવસો હતા. વાસુદેવે મહાયત્ને દિવસ પસાર કર્યો, પણ રાત્રે ઊંઘ કેમ આવે ? તેણે મનમાં નક્કી કર્યું કે ‘૫૨મ દિવસે એકાદશી આવે છે, તો સ્વામીશ્રીને ચોખ્ખું કહી દેવું કે હું ફરાળી એકાદશી કરીશ, પરંતુ નિર્જળા ઉપવાસ નહી થાય !’ તે રાત્રે ૧૨-૦૦ વાગે પારણા કરીને સૂઈ ગયો.
બીજે દિવસે સ્નાન-પૂજા બાદ અલ્પાહાર કરીને તે દર્શને ગયો. ભીડ બહુ હતી તેથી સ્વામીશ્રીને મળ્યા વિના જતો રહ્યો.
બપોરે ૧૨-૦૦ વાગતાં રવામીશ્રી ભોજનશાળામાં પધાર્યા. અહીં સૌને પીરસાવીને સામે ખુરશી નાખી સ્વામીશ્રી બેસતા. આ નિત્યક્રમ જેવું હતું. કયારેક પોતે પંગતમાં પીરસે પણ ખરા. પહેલી પંગત પછી સ્વામીશ્રી જમવા માટે જતા.
અચાનક જ સ્વામીશ્રીએ વાસુદેવને જોયો અને તુરત જ પોતાની પાસે બોલાવીને તેના ગળે હાથ ફેરવીને કહેવા લાગ્યા : ‘કયાં ગયા હતા ? મેં સવારે તમારી બહુ વાટ જોઈ. તમને પ્રસાદી આપવી હતી. લીંબુનું પાણી પીધુ ?’
‘હા, બાપા !'
‘તમારે અમારાથી છેટું ન રહેવું. તમે પાસે હો તો અમને બહુ કેફ રહે.’ સ્વામીશ્રી હેતથી બોલી રહ્યા હતા.
‘નાના છો પણ કેવા ઉપવાસી! ગઈકાલનો ઉપવાસ કેવો લાગ્યો ?’ સ્વામીશ્રીએ એકદમ જ પૂછ્યું.
તેથી વાસુદેવથી સાહજિક બોલાઈ ગયું : ‘ઉપવાસ સારો ગયો.’
‘પારણાં કયારે કર્યા ?’
‘બાપા ! રાત્રે ૧૨-૦૦ વાગે પારણાં કરીને સૂઈ ગયો હતો.’
‘રાત્રે ૧૨-૦૦ વાગે પારણાં ન કરાય.’ સ્વામીશ્રીએ હેતથી સમજૂતી આપી : ‘વહેલી સવારે ૩-૦૦ વાગે નાહી-ધોઈ, પૂજા કરીને પારણાં કરાય.’
વાસુદેવ તરત જ બોલી ઊઠચો : ‘ભલે બાપા ! હવે તેમ કરીશ !’
સ્વામીશ્રીએ પણ તરત જ આશીર્વાદનો ધબ્બો આપી દીધો. કહે : ‘કાલે એકાદશી છે, તો નિર્જળા કરજો !’
વાસુદેવ એ રુચિમાં ભળી ગયો. સ્વામીશ્રીએ આશીર્વાદનો બીજો ધબ્બો આપતાં કહ્યું : ‘હવે તમે જમી લો…'
આટલો બધો વાર્તાલાપ સ્વામીશ્રી સાથે થયો. તેમાં તેને ખબર ન રહી કે મારે સ્વામીશ્રીને શું કહેવાનું હતું અને શું કહી બેઠો! સ્વામીશ્રીએ તેનાં ઇન્દ્રિય-અંત:કરણને વશ કરી, નિર્જળા ઉપવાસની હા પડાવી લીધી !
સ્વામીશ્રી જીવને અધ્યાત્મનો ઢાળ પાડવા અને તે માર્ગે સહભાગી કરવા એવી કળા અપનાવતા કે તે અલૌકિકતાથી ભાવિક સહજ નમી પડતો અને એમના પ્રેમાળ વશીકરણમાં આવી જતો.