વાત્સલ્યમૂર્તિ શ્રીહરિ

શ્રી પ્રસાદાનંદ સ્વામી..


ગઢપુરમાં સ્નાન-સંધ્યા નિત્યનિયમ કરીને સભામાં બિરાજી બિરાજમાન થયા અને દર્શન કરીને વિદાય લેતા જનો કહે, 'હે મહારાજ ! હવે આપનાં દર્શન ક્યારે થશે?' શ્રીહરિએ પછી ધીરજ આપીને સંઘને વિદાય આપી ને થાળ જમવા પધાર્યા. જમીને પછી સંતોની પંક્તિમાં પાંચ વખત પીરસતા હવા.




ત્યાર પછી સભામાં બિરાજ્યા અને બોલ્યા કે 'હે સંતો, મંડળો બાંધીને ફરવા જાઓ.' પછી મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે 'તમો ભણનારા ગઢડા આવજો અને ભાઈ સ્વયંપ્રકાશાનંદ સ્વામી તો બોટાદ જજો.' તેમ કહીને ઘોડેસવાર થઈને સંતોને દદુકા જવાની આજ્ઞા કરીને સ્વયં દદુકા પધાર્યા અને હરિભક્તો સામૈયું લાવ્યા તે વાજતેગાજતે ગામમાં ગલુભાઈ અને ગોડાભાઈના ફળિયામાં ઊતર્યા.


ઢોલિયા ઉપર બિરાજ્યા એટલામાં બ્રહ્મચારી થાળ જમવા બોલાવવા આવ્યા તે થાળ જમવા પધાર્યા. પછી સંતોની પંક્તિમાં પીરસવા પધાર્યા. હાથ ધોઈને સભામાં બિરાજમાન થયા એટલે જાલમસંગ દેવળિયાવાળા બોલ્યા કે 'હે મહારાજ! સંતમંડળ સહિત અમારા ગામમાં પધારો.' પછી મહારાજ કહે : 'તમે અમને કાગળ લખીને તેડાવ્યા નથી અને બાપુભાઈએ તો કાગળ લખીને તેડાવ્યા હતા.'
પછી જાલમસંગ બોલ્યા કે 'એમણે કાગળ લખ્યો ત્યારે જાણ્યું કે મહારાજ આવશે એટલે આપણા ગામ તેડી જઈશું.'
પછી મહારાજ કહે : 'અમે તો સંતોને ફરવા જવાની રજા આપી દીધી છે.'
પછી સંતો બોલ્યા કે 'હે મહારાજ! અમોને મળવાનો (ભેટવાનો) અવસર આપો.' ત્યારે શ્રીહરિએ હા પાડી.
પછી મહારાજ ઊભા થયા અને મહારાજની બન્ને બાજુ એ બે સંત ઊભા રહ્યા. તે મળવા આવે તે મળીને ગયા પછી બીજા સંતને આવવા દેતા. એમ નિરાંતે બધા સંતોને મળ્યા.



તે સમયે મારા શરીરે ખસ થઈ હતી તેથી મળવા ગયો નહીં. પછી મારી પાસે શ્રીગુરુચરણરતાનંદ સ્વામી આવીને કહે, 'તું મળી આવ્યો ?' ત્યારે ના કહી. પછી મારો હાથ ઝાલીને મળવા લઈ ગયા. પછી મહારાજ કહે : 'આવવા દો.' અને પછી પાછા વળતાં શ્રી ગુરુચરણરતાનંદ સ્વામીએ શ્રીહરિની ડૂંટીને બકી ભરી તેથી શ્રીહરિ હસવા લાગ્યા અને બીજા પણ સંતો હસવા લાગ્યા. પછી શ્રીહરિ સભામાંથી દરબારમાં જઈને પોઢી ગયા.
પછી સવારે સ્નાન કરીને સભામાં આવ્યા ત્યારે મહારાજને બાપુભાઈ કહે, 'હે મહારાજ! હું બે વરદાન તમારી પાસે માંગું છુ કે એક તો તમારે ટાઢા પાણીએ સ્નાન કરવું નહીં. અને બીજુ નકોરડી એકાદશી કરવી નહીં.' પછી શ્રીહરિએ રાજી થઈને તે વર આપ્યા. પછી મહારાજ ત્યાંથી શિયાણી પધાર્યા. (પૃષ્ઠ-૨૦૧)


|| જય શ્રી સ્વામિનારાયણ ||