સેવા મળી એ તો આપણાં બહુ મોટાં ભાગ્ય કહેવાય
ભગવત્ચરણસ્વામી સ્વામીશ્રીને કહે, 'હું તો માનું છુ કે મંદિરો કરવા એ જ મોટામાં મોટી સેવા છે. આપણે થોડી ઘણી સેવા કરી હોય એટલે આપણને પણ પુણ્યનો થોડો ભાગ તો મળવો જોઈએ ને.'
સ્વામીશ્રી માર્મિક રીતે તેનો ઉત્તર આપતાં કહે, 'મારાથી થયું છે અને મને ભાગ મળવો જોઈએ એવી કોઈ ભાવના રાખવી જ નહીં. એવું માનવું જ નહીં કે આ મારું છે. નિઃસ્પૃહી રહેવાનું.'
ભગવત્ચરણસ્વામી કહે, 'પણ આપણે થોડી સેવા કરી હોય એટલે થોડી ઇચ્છા તો રહે ને.'
સ્વામીશ્રી કહે, 'ઇચ્છા રાખીએ તો ગયા. એ પણ ભાગ જ રાખ્યો કહેવાય ને. સર્વકર્તાહર્તા શ્રીજીમહારાજ છે. પ્રેરણા આપનાર શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ છે. પછી આપણો ભાગ ક્યાંથી આવ્યો ?'
ભગવત્ચરણ સ્વામી કહે, 'પણ નિમિત્ત તો કહેવાઈએ ને.'
સ્વામીશ્રી કહે, 'જો નિમિત્ત માનીએ તો તો સેવા નકામી થાય. સેવા મળી એ તો આપણાં બહુ મોટાં ભાગ્ય કહેવાય. સેવા કરીએ એમાં ફક્ત ભગવાન રાજી થાય એ જ ભાવના રાખવી. આ કાર્ય શ્રીજીમહારાજ, શાસ્ત્રીજી મહારાજ તથા યોગીજી મહારાજે જ કર્યું છે એવી ભાવના રાખવી. આ રીત આપણે શીખવાની છે અને એ જ રીતે વર્તવાનું છે.'
|| જય શ્રી સ્વામિનારાયણ ||