‘માગ્યું દઈ દેતા...’
પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ
જુન ૧૯૬૮, ગોંડલ
‘માગ્યું દઈ દેતા...’
અહી રોજ રવામીશ્રી પૂજાનાં પુષ્પો સર્વ હરિભક્તોને આપતા. અહીંના ચીમનભાઈ પ્રજાપતિને તે મેળવવાનો સંકલ્પ થયો. તેમને અમદાવાદમાં N.C.C ના ઓફિસર માટેનો ઇન્ટરવ્યુ હતો. ‘પૂજાનું પુષ્પ મળે તો જ ઇન્ટરવ્યૂમાં પસાર થઈ શકશે,’ તેવી તેમને શ્રદ્ધા. તેમને થયું : ‘જો સ્વામીશ્રી ફૂલ આપે તો જ ઇન્ટરવ્યૂ આપવા માટે જવું.’ પરંતુ પૂજા પછી સ્વામીશ્રીએ સર્વ હરિભક્તોને બધાં ફૂલ આપી દીધાં ! તેઓ બાકી રહી ગયા.
તે પછી અક્ષર દેરીમાં તેમજ ઉ૫૨ દર્શન કરી, સ્વામીશ્રી ઉકાળા-પાણી પીવા પધાર્યા. મુલાકાતો શરૂ થઈ ગઈ. ચીમનભાઈ સ્વામીશ્રીના રૂમની બહાર બેઠા હતા. થોડી વારે સ્વામીશ્રી એક યુવકનો હાથ પકડી રૂમમાંથી બહાર આવ્યા. સભામડપમાં કથાવાર્તા થતી હતી. રવામીશ્રીની દ્રષ્ટિ ચીમનભાઈ ઉપર પડી, એટલે પોતાના મસ્તકે ધારેલી ગુલાબી કાનટોપી હતી તે હાથમાં લઈ, તેમાંથી ચીમનભાઈને ફૂલ કાઢીને આપતાં બોલ્યા: ‘લો પૂજાનું ફૂલ, જાઓ કામ સફળ થશે !’
ચીમનભાઈ તો આ સર્વજ્ઞતા જોઈ ડધાઈ ગયા! ‘સ્વામીશ્રીની કાનટોપીમાં પૂજાનું પુષ્પ કેવી રીતે આવ્યું ? પોતાનો સંકલ્પ કેવી રીતે પકડયો ?' તે તેમને માટે પ્રશ્નો જ રહ્યા. તેમને ઇન્ટરવ્યુમાં સફળતા માટે શંકા ન રહી.
તેઓ બીજે દિવસે ઇન્ટરવ્યુમાં અમદાવાદ ગયા. પૂજાનું પુષ્પ એવું ને એવું તાજું હતું ! ચીમનભાઈ ઇન્ટરવ્યૂમાં પાસ થઈ ગયા.
અહીંના ભરત વડોદરિયાને રાજકોટ ખાતે એ.જી. ઓફિસમાં જવા ઓર્ડર મળ્યો. ઘરનાં બધાંની ઇચ્છા રાજકોટ જવા વિરુદ્ધ હતી. ભરતભાઈએ સ્વામીશ્રીને આ બાબતમાં પૂછ્યું, તો સ્વામીશ્રીએ રાજકોટ જવાની આજ્ઞા કરી, અને બોલ્યા : ‘દૂધમાં રોટલી કરીને સાથે લઈ જવી, પણ બહારનું આપણે કંઈ ખાવું નહિ.’ પછી કહે : ‘નોકરીમાં આગળ પણ વધી જશો.’ સ્વામીશ્રી પોતાના આશ્રિતોની ઝીણામાં ઝીણી બાબતો પ્રત્યે પણ લક્ષ આપી માર્ગદર્શન આપતા અને નિયમોમાં વર્તાવવાનો ખાસ આગ્રહ રાખતા. સ્વામીશ્રીની કૃપાથી થોડા વખતમાં જ ભરતભાઈ ઓફિસર માટેની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા અને તેમને પ્રમોશન મળ્યું.
|| જય શ્રી સ્વામિનારાયણ ||