ધબ્બાની અસર

૧૯-સપ્ટેમ્બર-૧૯૬૮, સોનગઢ


ધબ્બાની અસર

(ભાવનગરથી ગઢડા) રસ્તામાં શિહોરમાં ૫૦૦ જેટલા હરિભકતોને દર્શન લાભ આપી, સોનગઢ ટીબી. હોસ્પિટલમાં પધાર્યા. સાંખેજના ભગવતીભાઈને અહી દાખલ કરવામાં આવ્યા હતા. તેમને મળ્યા. સ્થાનિક ગુરુકુળના પ્રમુખ, ચુસ્ત આર્યસમાજી મણિભાઈ પટેલે સ્વામીશ્રીનું બેન્ડ વગેરેથી સ્વાગત કર્યું. શિક્ષકો અને મણિભાઈએ સ્વામીશ્રીને હાર પહેરાવ્યો. પ્રાસંગિક પ્રવચનો પણ થયાં. જો કે મણિભાઈએ હાર પહેરાતવ્યો તેનું સૌને ખૂબ આશ્ચર્ય થયું, કારણ કે પોતે આર્યસમાજી હોવાથી આવી ઔપચારિક વિધિ તેમને જરાય પસંદ નહોતી. પાછળથી ભગવતીભાઈએ સ્વામીશ્રીને તેમનો પરિચય આપ્યો. સ્વામીશ્રીએ રાજી થઈ જોરથી તેમને ધબ્બો આપ્યો અને વિદાય લીધી. જેવી મોટર ઊપડી, તરત જ મણિભાઈ મોટેથી જયનાદ કરી ઊઠયા : ‘યોગીજી મહારાજની જય !’

શિક્ષકો તો આ ઘટના આશ્ચર્યવત્ જોઈ રહ્યા. મણિભાઈમાં આવો ભક્તિભાવ કે ઉમંગ આ પહેલાં તેમણે ક્યારેય જોયેલો નહી. તેમણે વિસ્મિત ભાવે પૂછ્યું : ‘આ શું મણિભાઈ ?'

‘બસ, ધબ્બાની અસર! એ ધબ્બાએ આત્માને ઢંઢોળી દીધો. એ ખરેખર મહાન સંત છે ! મને લાગ્યું કે અહી નમ્યા વિના છૂટકો નથી !’ મણિભાઈએ કહ્યું.

|| જય શ્રી સ્વામિનારાયણ ||