એવું શોભે નહિ, હું તો સેવક છું...
પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ
૨૭-નવેમ્બર-૧૯૬૮, માગશુર સુદ આઠમ, ગુરુવાર, મુંબઇ
‘એવું શોભે નહિ, હું તો સેવક છું’
પ્રમુખસ્વામી શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજી આજે સંવત ૨૦૨૫ના માગશર સુદ ૮ ના ૪૭ વર્ષ પૂરાં કરી ૪૮ માં વર્ષમાં પ્રવેશ કરતા હતા. મહંત સ્વામી અને સંતોને એ વાતનો ખ્યાલ આવતાં તેઓની જન્મ જયંતી ઊજવવાનો પ્રસ્તાવ વડીલ હરિભકતો સમક્ષ મૂકાયો. સહુએ પ્રેમ અને ઉત્સાહથી તે વધાવી લીધો.
આ વાતની જાણ પ્રમુખરવામીને ન થાય તે રીતે આયોજન થયું. પરંતુ સાંજે ૪:૦૦ વાગે પ્રમુખસ્વામીને આ કાર્યક્રમની ગંધ આવી ગઈ. તેમને આ વાત જરાપણ ગમી નહી, પણ કાર્યક્રમ બંધ રહે તે શકય નહોતું. તેથી એ પ્રસંગ ટાળવા પધરામણીનું નિમિત્ત ઊભું કર્યું. આવા પ્રસંગે કોઈ નાના સંતને જોડમાં લઈ જવા -- એમ વિચારી પ્રેમપ્રકાશ સ્વામીને કહ્યું કે ‘હમણાં પધરામણીએ જવાનું થશે. પાઘ લઈને તૈયાર ૨હેજે.’
પણ કયારેય નહીં ને આજે, બીજા કોઈને નહી ને આ નાના સંતને સાથે થઈ જવાનું કારણ આજનો પ્રસંગ ટાળવાનું હોઈ શકે - એ શંકા ત્રણેક સંતોને એક સાથે થઈ. તેથી સિદ્ધેશ્વર સ્વામી, અનુપમ ભગત વગેરે પ્રેમપ્રકાશ સ્વામીને લઈ સ્વામીશ્રી પાસે ગયા. વાત જાણી સ્વામીશ્રી પ્રેમપ્રકાશ સ્વામીને કહે : ‘તમે પાઘ અહીં મૂકીને જાવ. પ્રમુખસ્વામીને બોલાવી લાવો.’
પ્રમુખસ્વામી આવ્યા એટલે સ્વામીશ્રીએ આજ્ઞા કરી કે ‘સંતોને બહુ પ્રેમ છે. રાત્રે કાર્યક્રમ રાખ્યો છે અને મારી ઇચ્છા પણ છે કે તમારે સભામાં આવવું.’
પ્રમુખસ્વામીએ હાથ જોડી આજીજી કરી : ‘બાપા ! એવું શોભે નહીં, હું તો સેવક છું.’
‘ના, ના, તમારે આવવું પડશે.’ સ્વામીશ્રીએ તેમના હાથ પકડી હસતાં હસતાં ખૂબ પ્રેમથી આગ્રહ કર્યો.
પ્રમુખસ્વામી લાચાર બની ગયા અને યોગીજી મહારાજના સાંનિધ્યમાં પ્રમુખસ્વામીની ૪૮મી જયંતી ધામધૂમથી ઊજવાઈ.