આજનો પ્રેરણાદાયી પ્રસંગ... (21st March 2018)
*પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ*
*બાળસનેહી*
અમદાવાદના ભોગીભાઈ ચોકસીના શેઠ ઇન્દ્રજિતભાઈ સ્વામીશ્રીના પ્રસંગમાં આવ્યા. તેઓ ઘણા ભાવિક, તેથી અવારનવાર સ્વામીશ્રીનાં દર્શને આવતા. તેમનો દીકરો સંજય પણ ભેગો જ હોય. અમદાવાદમાં આવેલા તેમના ભવ્ય નિવાસમાં સ્વામીશ્રી પધરામણીએ પણ પધાર્યા હતા.
આ અરસામાં સંજય તેમનાં માતુશ્રી સાથે ગોંડલ ખાસ સ્વામીશ્રીનાં દર્શને આવ્યો. સાંજનો સમય હતો. સ્વામીશ્રીએ તેને પાસે બોલાવીને ખૂબ આશીર્વાદ આપ્યા અને હેત કર્યું. સ્વામીશ્રી એની સાથે બાળક જ બની ગયા અને કહેવા લાગ્યા :
‘તમે કાલે રોકાવ ને જમીને જાવ.’
‘ના, અમારે સવારે જવું છે.’ સંજયે કહ્યું.
‘પછી તમારે અમને તમારે ઘેર લઈ જવા છે કે નહિ, અમદાવાદમાં ?’ સ્વામીશ્રીએ એવા તો વહાલથી પૂછ્યું કે સંજય શરમાઈ ગયો.
‘હા.’ સંજયે હસતા હસતાં કહ્યું.
એટલે સ્વામીશ્રીએ તેને ફરીથી આગ્રહ કર્યો કે: ‘તમેં અહીં રોકાવ. સવારે જમીને જજો, વહેલા જમાડી દઈશું.’
‘પછી તડકો લાગે ને !’ સંજયે ચિંતા વ્યકત કરી.
ધડીના પણ વિલંબ વગર સ્વામીશ્રીએ પોતાના બે હાથની હથેળી ભેગી રાખી, વાદળાંની મુદ્રા બતાવતા કહ્યું કે ‘અમે છે ને તમારી ઉ૫૨ આમ વાદળાં મૂકી દેશું, એટલે તમને તડકો નહિ લાગે.’
અને સંજયને પણ સ્વામીશ્રીના વચનમાં વિશ્વાસ આવી ગયો. તેણે તરત માની લીધું ને રોકાઈ જવા કબૂલ કર્યું. સ્વામીશ્રી બહુ રાજી થયા અને તેને ખૂબ આશીર્વાદ આપ્યા.
આ વાર્તાલાપ એટલો તો નિર્દોષ, બાલસહજ અને અદ્ભુત હતો કે બે નાના બાળકો પોતાની બાળભાષામાં ગોઠડી ન કરતાં હોય !
બન્યું પણ એવું જ. બીજે દિવસે સ્વામીશ્રીએ તેમને વહેલા જમાડી વિદાય કર્યા અને આકાશ પણ તે દિવસે વાદળાંથી આચ્છાદિત જ રહ્યું. જાણે એ સ્વામીશ્રીના બે હાથ, આકાશમાં રહ્યા એને છાંયો આપતા હતા !
સવારે શણગાર આરતીમાં પણ સ્વામીશ્રીએ સંજયને મદિરમાં બધે પોતાની સાથે ફેરવ્યો. બધી જ મૂર્તિઓની ઓળખાણ કરાવી, દર્શન કરાવ્યા. રવામીશ્રીએ સંજયને એટલા તો લાડ લડાવ્યા કે કદાચ એનાં મા-બાપે એને આવો નિર્વ્યાજ પ્રેમ નહીં આપ્યો હોય!
|| જય શ્રી સ્વામિનારાયણ ||