ઠરાવમાં દુ:ખ..
પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ
(૧૯-એપ્રિલ-૧૯૭૦, મોમ્બાસા)
ઠરાવમાં દુ:ખ..
આજે બપોરે ૧-૦૦ વાગે રવિભાઈને બંગલે, કથા પ્રસંગમાં સ્વામીશ્રીએ એક હરિભક્તને પૂછયું : ‘તમે ક્યારે જવાના ?'
‘બાપા ! કાલે… આજ્ઞા આપો એમ.’
સ્વામીશ્રી કહે : ‘પહેલાં જવાની વાત ને પછી આજ્ઞા માગી. જૂનાગઢના બાલમુકુંદ સ્વામી કહેતા : ‘કેટલાક પોતાની મેળે ઠરાવ કરીને રાખે છે. કેટલાક ‘સ્વામી ! તમે કહો તેમ,’ એમ ઠરાવ કરીને આવે છે.’
પછી ગ.મ. ૪૦મું વચનામૃત વંચાવીને સ્વામીશ્રીએ વાત કરી :
‘બીજાની મો’બત રાખવા સારુ ગુણાતીત મંડળનો દ્રોહ કરે. પોતાને સારું થવુ હોય; રસોઈ ખાવી હોય; એમ સારપ રાખવા દ્રોહ કરે.
‘શુકમુનિને ગુણાતીત સ્વામીનો ગુણ. તેથી સિદ્વાનંદ સ્વામી કહે : ‘શુકમુનિ શું સમજે ? એ તો પોપટ છે.’ શિવલાલ શેઠને સિદ્વાનંદ સ્વામીએ કહ્યું : જૂનાગઢમાં તો કાળમીંઢ પાણા છે. ત્યાં જઈશ નહિ. એવી પ્રતિજ્ઞા લે. મારા પગ ઝાલ.’ શિવલાલે અવળા પગ ઝાલ્યા : ‘જુનાગઢ ગયા વગર રહું તો પગ ઝાલું.’
‘આમ, કેટલાક જાણ્યે કરીને પણ મોટાપુરૂષનો અપરાધ કરતા.'
‘અંદરોઅંદર દ્રોહ થઈ ગયો હોય તો પગે લાગવું. ‘એ શું સમજે ?' એમ ન કરવું. માફી માગવી. ભગવાનના ભક્ત હારે દાસાનુદાસ જ રહેવું.
‘સ્વામી પાસે ત્રણસોં (૩૦૦) સાધુ રહેતા હતા, પણ જેવો ભગતજી મહારાજ ને જાગા સ્વામીને સ્વામી સાથે સંબંધ હતો, તેવો કોઈ સાધુને હતો ?'
જય સ્વામિનારાયણ..