કલ્યાણકારી પુરુષને કોઈ બંધન કે વિક્ષેપ નથી..


પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ

(૨૨-એપ્રિલ-૧૯૭૦, મોમ્બાસા)

કલ્યાણકારી પુરુષને કોઈ બંધન કે વિક્ષેપ નથી

બપોરે ૧-૧૫ વાગે એક હરિભકતે સ્વામીશ્રીએ કરાવેલા દિવ્ય અનુભવની ચમત્કારની વાત સભામાં કરી. સૌ આશ્ચર્યવત સાંભળી રહ્યા હતા. ત્યાં સ્વામીશ્રી બોલ્યા : ‘સાલિયાનું ભાગવું ને કાગડાનું બેસવું.’ એમ કહી એ સત્ય વાતને આકસ્મિક વટાવી, ગૌણ બનાવી દીધી. આવી ગૌણતા દર્શાવી, સ્વામીશ્રી અનેક વાર પોતાની મહત્તા ઢાંકવાનો પ્રયાસ કરતા. 

‘બાપા ! મુંબઈમાં આપણે એક મહાત્માની સભામાં ગયા હતા. મહાત્મા કથા વાંચતા હતા. આપે તેમને નમસ્કાર કર્યા, તોયે તેમણે આપને સામા નમસ્કાર તો ન કર્યા, પણ દ્રષ્ટિથી સત્કારવાનો વિવેક સુધ્ધાં દર્શાવ્યો નહિ.’ એક હરિભક્તે જૂની વાત ઉખેળતાં કહ્યું.

‘આપણે એટલો ગુણ લેવો કે તેઓ કથાના ઘ્યાનમાં હતા, તેથી ઊઠયા નહિ ને નમસ્કાર કર્યા નહિ. તે સારું કહેવાય.’ સ્વામીશ્રીએ શાંતિથી ખુલાસો કર્યો. ગુણ ગ્રહણ કરતાં શીખવ્યું. 


વળી, એ ભક્તે બીજો પ્રશ્ન પૂછયો કે ‘બાપા ! આપ ધ્યાનમાં હો કે માળા ફેરવતા હો કે કથા કરતા હો, તેવામાં કોઈ ભક્ત આવીને ‘જય સ્વામિનારાયણ’ કહે તો આપ પ્રેમથી તેના તરફ જોઈ , થાપો આપો છો. તો તમને વિક્ષેપ નથી થતો ?’ 

‘હજારો માણસોને આ મારગે ચડાવવા, તેમાં અમારી કોઈ ક્રિયામાં અમને વિક્ષેપ થતો માનતા નથી.’ સ્વામીશ્રીએ સ્પષ્ટતા કરી.

સૌને કલ્યાણને માર્ગે ચઢાવવાનો ધૂધૂબાજ માર્ગ વિક્ષેપવાળો કેમ હોઈ શકે ?

જય સ્વામિનારાયણ..