દિવ્યતાની ક્રિયા એવી કદી ન મળે..
પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ
૭-મે-૧૯૭૦, મોમ્બાસા
દિવ્યતાની ક્રિયા એવી કદી ન મળે
સાંજે મંદિરમાં સભા પ્રસંગમાં વાતમાં વાત નીકળી. ત્યારે સ્વામીશ્રી કહે : ‘આપણે કરમશીભાઈને ત્યાં મહારાજનાં પગલાં છે, તે જોવા જવું છે.'
‘એ ઘર ખાલી કરી નાખ્યું ને પગલાં નથી.’ હરિભક્ત્તોએ કહ્યું.
કરમશીભાઈને ત્યાં મહારાજે દિવ્ય દેહે પધારી ચંદનનાં પગલાં પાડેલાં, તેનાં દર્શનની વાત સ્વામીશ્રી કરી રહ્યા હતા. એટલે સ્વામીશ્રીએ વાત મૂકી નહિ. કહે :
‘ઘર તો છે ને ! પ્રસાદીની જગા છે ને ! આપણને એ નળિયાંને અડવા દેશે ને ! આપણે કયાં કંઈ લેવું-દેવું છે ! આપણે તો દર્શન કરવાં છે. બધા સંતો-હરિભક્તોને દર્શન કરાવવા છે કે અહીં મહારાજે પગલાં પાડેલાં, તે (ગમે તે) ઘરધણી ના નહિ પાડે.’
પ્રસાદીનાં મહારાજનાં પગલાંનાં દર્શનનો સ્વામીશ્રીએ આટલો બધો આગ્રહ સેવ્યો ! મહિમાનું દર્શન કરાવ્યું ! ઘર બંધ હશે તો છેવટે નળિયાંને અડીને પણ પ્રત્યક્ષ દર્શનનો આનંદ લેશું, પાવન થશું. આવો મહિમા મહારાજના ધારક સત્પુરુષ વગર કોણ સમજાવે ?
ભાવનગરમાં પણ પ્રભુદાસ શેઠને ત્યાં, મહારાજ ને સ્વામી દિવ્ય દેહે પધારૅલા, ને ચંદનનાં છાંટણાં તથા ચંદનના હાથના છાપા પાડેલાં. એ સ્થાનનો મહાત્તીર્થ જેવો મહિમા સમજી, સ્વામીશ્રી હંમેશાં દર્શન કરવા જતા, સૌને દર્શન કરાવતા.
જય સ્વામિનારાયણ..