નિજજન જાની સંભારોગે પ્રીતમ..
૭-મે-૧૯૭૦, મોમ્બાસા
નિજજન જાની સંભારોગે પ્રીતમ
તા. ૭મીએ સવારે નાસ્તો કરતાં સ્વામીશ્રીએ સેવકને કહ્યું : ‘દાસકાકાને ઢેબરાં દઈ આવો. તેમને રોગ છે. બીજું ગળ્યુ ખવાતું નથી.’
‘બાપા ! એ તો જમી રહ્યા.’
‘તોય દઈ આવો.’
સ્વામીશ્રી હરિભક્તોની બહુ સંભાળ રાખતા. એમાં પણ શાસ્ત્રીજી મહારાજના જૂના હરિભક્તો(દાસકાકા, હરમાનભાઈના નાનાભાઈ)ને ક્યારેય ભૂલતા નહિ. હરિભક્ત્તોને માટે જ એમનું જીવન હતું.
એક વખત બપોરે ત્યાગવલ્લભ સ્વામી શાકભાજી ગોઠવતા હતા. એવામાં સ્વામીશ્રી રસોડા તરફ પધાર્યા. ત્યાં સરસ કેરીઓ પણ પડેલી. તે જોઈ સ્વામીશ્રી બોલ્યા : ‘કેરીઓ બહુ સારી છે !’
‘બાપા ! ખૂબ મોંઘી છે. એક શિલિંગની એક.’ ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું.
પણ સ્વામીશ્રીએ તે બાબત ધ્યાનમાં ન લેતાં કહ્યું : ‘આપણે ઠાકોરજી માટે કેરીની રસોઈ બનાવી નથી, એક દિવસ રાખો.’
‘બાપા ! મોંઘી છે ને !' ત્યાગવલ્લભ સ્વામીએ ફરીથી આશ્ચર્ય જણાવ્યું.
‘કાંઈ વાંધો નહિ, આવા હરિભક્તો જમનારા ક્યાંથી ?' એટલું કહી સ્વામીશ્રી ચાલી ગયા. ત્યાગવલ્લભ સ્વામી વિચારતા રહી ગયા કે ઠાકોરજી તથા હરિંભક્ત્તોને લાડ લડાવવાનો કેટલો પ્રેમ છે !
જય સ્વામિનારાયણ..